"પરમહંસ પૂ. માનસદગુરુ"ની જીવન ઝરમર


પૂ. માનગુરુ ( શ્રી માનસીંગભાઇ ડી. ઇડોદરા)

"અતિ સૂક્ષ્મ બિંદુ બનો"

          પૂ. માનસદગુરુનો જન્મ તા. ૧૦-૬-૧૯૩૧, સંવત ૧૯૮૭ના જેઠ સુદ ૧૦ને બુધવારના રોજ દયાદરા તા. ભરૂચ (ગુજરાત) મુકામે થયો હતો. જેઠ સુદ ૧૦ એ "શાંતિદિન" તરીકે ઓળખાય છે. આ દિવસે માં ભાગીરથી-ગંગાજીનું પ્રુથ્વીલોકમાં અવતરણ, માં ગાયત્રીનો પ્રાગટ્ય દિન, સ્વામી શ્રી સહજાનંદનો અક્ષરનિવાસ, રામેશ્વર પ્રતિષ્ઠાદિન, શ્રી રામ શર્મા આચાર્યનો પણ અક્ષરનિવાસ જ્યારે આ જ પુણ્યતિથિએ વિશ્વશાંતિ માટે જનકલ્યાણાર્થે તપ કરનાર પૂ. "માન"નો પણ જન્મદિવસ તથા તેઓશ્રીનાં સહધર્મચારિણી પૂ. શાંતાબાનો નિર્વાણદિવસ. તેમાંથી ઉપર ઊઠીને વિશ્વશાંતિ તેમજ માનવકલ્યાણાર્થે મા મહાકાળીનો અતિ કઠિન તપ દ્વારા સાક્ષાત્કાર મેળવેલ એવી તપોભૂમિ ઓસારાનાં 'વિશ્વશાંતિ મહાકાળી મંદિર' માં પૂ મહાકાળી માનો પ્રાણ પ્રતિષ્ઠા દિન.
          
       પૂ. માનસદગુરુનાં પિતાશ્રીનું ધરમભાઇ અને માતુશ્રી નું નામ સૂરજબેન હતું. બાળપણથી જ તેઓ તેમનાં સત્યપ્રિય, શાંત સ્વભાવ, દયાળુ, પોતાનાં કાર્યમાં ખંતીલા વગેરે ગુણોને લીધે સૌને પ્રિય થઇ જતા. એમનાં શિક્ષણગુરુઓના અને સંતોના તો એમનાં પર અપાર પ્રેમરૂપી આશીર્વાદ વહ્યા જ કરતા. અભ્યાસમાં તેઓ સદાય આગળ રહેતાં. પ્રાથમિક શિક્ષણ દયાદરામાં પૂરું કરી આમોદ-શુક્લતીર્થમાં માધ્યમિક શિક્ષણ લીધું. ૧૯૫૨માં નર્મદા હાઇસ્કૂલ, શુક્લતીર્થમાં ચિત્રશિક્ષક તરીકે જોડાયા. ત્યારબાદ ૧૯૫૯માં શુક્લતીર્થ છોડી રેલ્વે શાળા ભરૂચમાં જોડાયા અને ત્યાંથી જ તા. ૩૦-૪-૧૯૯૧ ના રોજ આચાર્યશ્રીનાં પદેથી નિવ્રુત થયા. તા. ૧૫-૫-૧૯૫૧માં તેઓશ્રીનું પૂ. શાંતાબા સાથે લગ્ન થયું હતું. સાંસારિક જીવનમાં શિક્ષકની કારકિર્દી દરમિયાન તેઓ તપસ્વી જીવન જીવતાં. શિક્ષણકાર્ય સાથે મળેલ માનવજીવન સાફલ્ય અને પરહિતાર્થે કંઇક કરી છૂટવાની ઉચ્ચ ખેવના સાથે તેમણે આધ્યાત્મિક માર્ગે પ્રયાણ કર્યું. પૂ. મહાકાળી માની ક્રુપા બાળપણથી જ તેઓ પર હોઇ તેમને આ ભૌતિક નાશવંત સંસારરૂપી સુખોમાં કોઇ રસ નહોતો. દૈવી શક્તિની શોધ એ પહેલેથી જ એમનું ધ્યેય હતું. તેઓશ્રીને પોંડિચેરીમાં સ્થાયી થઈને આધ્યાત્મિક જીવન જીવવાની ઇચ્છા હતી. તે માટે તેમણે પોંડિચેરી આશ્રમનાં સાધક પૂ. અંબુભાઇ પુરાણીને વિનંતીપત્ર લખ્યો હતો. જેમાં પૂ. માતાજી તેમનો સ્વીકાર કરે એવો પ્રયાસ-પ્રાર્થના કરી હતી. પૂ. માતાજીએ પણ એક સુષુપ્ત સાધકની આતમવાણીને સાંભળી લીધી અને તેમણે પ્રત્યુ્ત્તરમાં પૂ. માનગુરુને જણાવ્યું કે તેઓ જ્યાં છે ત્યાંજ પોતાની સાધના ચાલુ રાખે અને આ આદેશને સ્વીકારીને પૂ. માતાજીનાં આશીર્વાદ સાથે તેમણે પૂ. મહાકાળી માની ભક્તિને આત્મસાત કરી લીધી અને ભક્તિમાર્ગમાં આગળ જતાં પૂ. મહાકાળી માનો સાક્ષાત્કાર પામ્યા. તેમણે કરેલ આકરી તપશ્ચર્યાનો ઉલ્લેખ આગળનાં પ્રકરણો માં કરીશું. સંસારમાં રહીને ભક્તિ થઇ શકે છે તેનું તેઓ પ્રત્યક્ષ પ્રમાણ છે.

        પૂ. 'માન' ના આધ્યાત્મિક જીવનમાં ક્રિસ્ટોફર કોલંબસ શ્રદ્ધા, વિશ્વાસ અને નિશ્ચિત ધ્યેય પ્રાપ્તિનું પ્રેરક બળ બની રહેલ છે. એ સમયે પોતાનાં વહાણને મહાસમુદ્રમાં  માત્ર શ્રદ્ધાના બળે જ લઇ જનાર કોલંબસ માટે પૂ. માનગુરુને ખૂબજ માન છે. કોલંબસે અંતઃકરણપૂર્વક "બાવન"મા દિવસે કરેલ પ્રાર્થના આ યુગમાં આધ્યાત્મિક જગતને માટે 'દીવાદાંડી' છે. "બાવન"નો અંક પૂ. "માન" માટે અતિ મહત્વનો લેખાય છે, આધ્યાત્મિક જીવનને નવો વળાંક આપનાર હોય તેમ બ્રહ્મમુહૂર્ત ગણાય છે કે દરેક મનુષ્યએ પોતાનાં જીવનનાં બાવનમાં વર્ષે બને તેટલું જપ, તપ, દાન, ઉપવાસ, તીર્થયાત્રા વધુ કરવી જોઇએ.
             
       હવે ૧૯૫૦થી અનેક્વાર પૂ. 'માન'ને સ્વપ્નમાં અને અંગમાં માતાજીએ આગમનનાં સંકેતો આપ્યા હતા, પણ માતાજીના સ્વાગતની પૂર્ણ તૈયારી હજી નથી એમ માની એમણે માતાજીના એ સંકેતોને દાબી રાખ્યા હતા. આખરે તા. ૨૪-૮-૧૯૭૨ની સાંજે ૭.૩૦ વાગ્યે તેમના ધર્મપત્ની પૂ. શાંતાબા સાથે માતાજી સમીપ પ્રતિજ્ઞા લીધી કે "મારા ધ્યેયને મેળવીને જ જંપીશ, યા મરીશ." અને તે સમયે તેઓને મનમાં દેવોની દુનિયા જોવાની પણ તીવ્ર ઇચ્છા હતી. ૪ વર્ષ ૧માસ અને ૯ દિનની આકરી નિરાહાર-નિર્જલા તપશ્ચર્યા બાદ તા. ૩-૧૦-૧૯૭૬ના રોજ પૂ.મહાકાળી માતાજી પધાર્યા. માતાજીની તેમનાં પર અપાર કૃપા હોવા છતાં માતાજી પાસે કંઇ ન માંગવાની અને એમનાં નામ પર કંઈ પણ ન લેવાની એમની દ્રઢ પ્રતિજ્ઞા હતી. પૂ.મહાકાળી માતાજીનાં આગમન બાદ પૂ.માએ 'માન' ને દેવોની દુનિયા બતાવી અનુભવો પણ કરાવ્યા. તેઓશ્રીએ પાવાગઢની પંદર વખત પગપાળા યાત્રા કરી હતી અને ૧૦૮ વખત પાવાગઢની વિવિધ સ્વરૂપે યાત્રા ખેડી હતી. તા. ૩-૧૦-૧૯૭૬એ પૂ. માતાજી પધાર્યા ત્યારબાદ પણ તેઓની આધ્યાત્મિક યાત્રા તો આગળ વધતી જ રહી હતી. તા. ૫-૯-૧૯૮૯ના દિવસે 'લાયન્સ ક્લબ ઑફ ભરૂચે' પૂ. માનને ઋષિશિક્ષક, તપસ્વી, પરમહંસ જેવા શબ્દોથી નવાજીને સન્માનપત્રથી સન્માનિત કર્યા હતા.

      ત્યારબાદ ભક્તિમાર્ગમાં આગળ વધતાં પૂ. મહાકાળી માની પ્રેરણા થતાં તા.૧૦-૬-૧૯૯૨ના જેઠ સુદ દશમ બુધવારના દિવસે ૫૨.૫ ફૂટ ઊંચા શિખરવાળું મહાકાળી માનું મંદિર બાંધી તેનું નામ 'વિશ્વશાંતિ મહાકાળી મંદિર' રાખ્યું છે. આ મંદિરની બ્લોક નંબર ૧૨૨/૧૨૨ જમીન મુંબઇ, બોરીવલીના શ્રી વજુભાઇ પી. ભીમાણીએ દાનમાં આપેલી હતી. જેની ઉપર આજે આ દિવ્યમંદિર ઊભું છે. જે સારાયે ગુજરાત અને ભરૂચના ભક્તજનોનું આસ્થાનું કેન્દ્ર બની પ્રચલિત બન્યું છે, તે જ દિવસથી અહીં આ મંદિરમાં અખંડ 'શાંતિદીપ' પ્રગટેલો રાખી તેની નીચે લખ્યું છે, 'જબ તક યહ દીપ જલતા રહેગા, તબ તક "વિશ્વયુદ્ધ" કભી ન હોગા.' -"માન"

       આ મંદિર વિશ્વમાં સૌપ્રથમ જ હશે, જ્યાં તપને જ પ્રાધાન્ય અપાય છે, પૈસાને કે વ્યક્તિને નહીં. આ મંદિરના પાયામાં પૂ. માનગુરુજી, પૂ. શાંતાબા તથા તેમના સમસ્ત પરિવારનો અથાગ પરિશ્રમ સમાયેલો છે. મંદિરના બાંધકામ સમયે પાણીની જરૂર પડતા એ સમયે ઓસારા ગામમાં યોગ્ય સગવડો ન હોવાથી દૂર દૂરથી પાણી લાવવું પડતું હતું, જે કાર્ય પૂ. 'માન'ના ઘરના સભ્યોએ ખૂબ જ મહેનતથી કર્યું હતું, તેમજ પૂ.'માન'નો પણ કોઇની પાસેથી માતાજીના નામે કંઇ પણ લેવું નહીંનો કડક નિયમ હોવાથી પોતાની  નોકરીના પગારો તેમજ આર્થિક બચતો ખર્ચી દઈ આ મંદિરનું નિર્માણ કર્યું હતું. તેઓશ્રી પોતાનું સર્વસ્વ અર્પણ કરી, હ્રદયદ્રાવક તપ કરી વિશ્વમાં શાંતિ રહે તથા માનવજાતનું કલ્યાણ થાય તેવી ઊચ્ચ ભાવના સાથે પાવાગઢના પૂ. મહાકાળી માને ઓસારા લાવ્યા છે. ત્યારબાદ ૧૯૯૪ની સાલમાં પૂ. મહાકાળી માની પ્રેરણાથી તેઓ તપમાં આગળ પ્રગતિ કરવા શુક્લતીર્થ, 'શાંતિસમીર' મુકામે ગુપ્તવાસમાં ચાલ્યા ગયા હતા.

         શુક્લતીર્થ, 'શાંતિસમીર' મુકામે તેઓએ ગુપ્તવાસમાં પોતાની આધ્યાત્મિક યાત્રા આગળ વધારી હતી. આ ગુપ્તવાસ દરમિયાન તેઓની ૨૫ વર્ષની તપસ્યાના ફળરૂપે પૂ. મહાકાળી માએ તા.૧૫-૩-૧૯૯૮ ના રોજ સવારે ૪ વાગ્યે તેઓને "કુમકુમ બાવની" લખાવી હતી. વાસ્તવમાં કુમકુમ બાવની એ કોઇ સામાન્ય ગરબો કે કાવ્ય નથી પરતું મા મહાકાળીનું શબ્દદેહે સાક્ષાત સ્વરૂપ છે, જે કળિયુગમાં માનવજાતિના ઉદ્ધાર માટે સંજીવનીનું કાર્ય કરી રહેલ છે. તેઓશ્રીએ સદર ગુપ્તવાસ દરમિયાન કેટલાક ભક્તિ સભર ગરબાઓની  રચના કરી હતી. જે "કુમકુમ છુંદણા" નામની પુસ્તિકાસ્વરૂપે પ્રગટ થયેલ છે. સદર ગુપ્તવાસ દરમિયાન પૂ. મહાકાળી માએ પૂ. 'માન' સદગુરુને ઇશ્વરના સાચા પરમ તેજોમય તથા સત્ય સ્વરૂપના દર્શન કરાવ્યા હતા, જેના આધારે તેઓ સર્વધર્મને એક જ માનતા અને ઇશ્વર એક જ છે એમ તેઓએ જણાવ્યું હતું.

      તેઓશ્રીએ શુક્લતીર્થ જતાં પહેલા "વિશ્વશાંતિ મહાકાળી મંદિર-જય મહાકાળી, તપોભુમિ-ઓસારા" ટ્રસ્ટની રચના કરી હતી. જેમાં મુખ્ય ટ્રસ્ટી તરીકે અને પૂ. મહાકાળી માની સેવાની અને મંદિરની જવાબદારી તેઓશ્રીના નાના પુત્ર કૌશિકભાઇને સોંપી હતી. અને તેઓના મોટા પુત્ર શ્રી કિશોરભાઇ ઇડોદરા તેઓની સેવામાં શુક્લતીર્થ મુકામે રહેતાં હતાં. પૂ. 'માન' સદગુરુના પૂર્વજોએ દયાદરા ગામે ભૂખી ખાડીના કિનારે પૂ. બાબરવીર મામાની મંદિરમાં સ્થાપના કરેલ હતી. સને ૨૦૦૧માં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો  હતો અને ભક્તોનાં દર્શન માટે તા. ૨૯-૧-૨૦૦૧ના રોજ પૂ. 'માન' સદગુરુના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું  હતું. પૂ. બાબરવીર મામાની પ્રશસ્તિરૂપે પૂ. 'માન' સદગુરુએ તા. ૬-૧-૨૦૦૧નાં રોજ 'બાબર બત્રીસી'ની રચના કરી હતી.
         
        સદર ગુપ્તવાસ દરમિયાન પૂ. 'માન' સદગુરુ જેઠ સુદ દશમ, ગુરુપૂર્ણિમા જેવા ધાર્મિક અવસરોએ દર્શન આપી ભક્તોને કૃતાર્થ કરતા. આમ, "વિશ્વશાંતિ મહાકાળી મંદિર, ઓસારા" પૂ. 'માન' સદગુરુજી જેવા દિવ્યાત્માના તપની તાકાત પર, સત્યની તાકાત પર ઊભેલું છે જેને કોણ હલાવી શકે?

       જીવનનાં અંત સમયમાં પણ તેઓશ્રીને બે વાક્યોમાં અડગ-અખંડ શ્રદ્ધા છે કે "હરિને ભજતાં હજી કોઇની લાજ જતા નથી જાણી રે"- નરસિંહ મહેતા અને સત્યમેવ જયતે.
 
                                                             સૌજન્ય: "ઋષિત્વ નો રાજમાર્ગ"
                                 "ઋષિત્વ નો રાજમાર્ગ" પુસ્તક મેળવવા માટે સંપર્ક કરો -9099052417

         

            

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો